ધોરાજીમાં શાકમાર્કેટ સામે આવેલા જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડની બિસ્માર હાલત સુધારવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી)ને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. આ મેદાનમાં પ્રતિવર્ષ જન્માષ્ટમી નિમિત્તે લોકમેળો ભરાય છે, પરંતુ હાલ તે દબાણો, ગારા-કિચડ અને ગંદકીથી ખદબદી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ પ્રાંત અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલ આ મેદાનમાં ખૂબ જ ખાડા-ખબડા છે અને ગંદકીનું સામ્રાજ્ય છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી કાદવ-કિચડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આ જ કારણોસર છેલ્લા બે વર્ષથી આ મેદાનમાં લોકમેળાનું આયોજન થઈ શક્યું નથી.પરિષદે તાત્કાલિક ધોરણે આ મેદાનને વ્યવસ્થિત સમતલ કરીને તેમાં માટીનું પુરાણ કરવા અને તેને મેળા લાયક બનાવવાની માંગ કરી છે. આ ઉપરાંત, લોકમેળાની ટેન્ડર પ્રક્રિયા પણ વહેલી તકે શરૂ કરવામાં આવે, જેથી મેળાના આયોજકો સમયસર લોકમેળાનું આયોજન સારી રીતે કરી શકે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.