ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર અને કૈલાશ નગરના રહીશો છતે પાણીએ તરસ્યા જોવા મળી રહ્યા છે. ધોરાજીને પાણી પૂરું પાડતા ફોફળ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય આયોજનના અભાવે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. સામાન્ય રીતે શહેરમાં ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ વોર્ડ નંબર ૯ ના આ વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી પીવાનું પાણી મળ્યું નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની આ વિકટ સમસ્યા પાછળ મુખ્ય કારણ પાઈપલાઈનમાં સર્જાયેલો કોઈ ફોલ્ટ હોવાનું જણાવાયું છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ શોધવા માટે ઠેર-ઠેર ખાડાઓ તો ખોદવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ કાયમી નિકાલ કરી શકાયો નથી. આવી કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે અને બહારથી મોંઘા ભાવે પાણી વેચાતું લેવાની નોબત આવી છે. તંત્રની આ નિષ્ફળતાને કારણે રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે.