કમોસમી વરસાદ અને પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોની હાલત બદતર થઈ છે. ધોરાજીના વેગડી ગામ નજીક ખેતર ધરાવતા અશ્વિનભાઈ બાલધાએ છ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જે ડુંગળીનો પાક તૈયાર કરી વેચવા જતા મજૂરી જેટલા પૈસા ન મળતા હોવાથી ખેડૂતે ભારે હૈયે પોતાની ડુંગળીના પાક પર રોટવેટર ચલાવી ખેતર સાફ કરી નાખ્યું હતું. અશ્વિનભાઈએ જણાવેલ કે, મોંઘુ બિયારણ, દવાઓ, મજૂરીથી લઈને લાખોનો ખર્ચ કરી દિવસ રાત પરસેવો પાડ્યા પછી જ્યારે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો ત્યારે ડુંગળીના પ્રતિ મણ દીઠ પચાસથી સાંઇઠ રૂપિયા ભાવ મળતો હોવાથી ડુંગળી ઉપાડવાની મજૂરી જેટલા પણ પૈસા ન મળતા હોવાથી તેને વેચવાને બદલે ખેતરમાં ટ્રેક્ટર ફેરવી ખેતર સાફ કરી નાખ્યું હતું. આ મામલે ખેડૂતે વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી અન્ય ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે સરકાર વ્યવસ્થા કરે એવી કરી માગણી ઉચ્ચારી હતી.







































