ધોરાજીના ફરેણી રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે ધોરાજીમાં પણ અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં થોડા વિરામ બાદ ફરીથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. કલેક્ટર પ્રભવ જોશીની સૂચના અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન તેમજ ૨૦૧૦ના જાહેર રસ્તાઓ તથા જાહેર જગ્યાઓ પરના ધાર્મિક દબાણ અંગેના નિયમો અનુસાર, ધોરાજી તાલુકાની યાદીમાં આવતું શહેરના રસ્તાના માર્જિનમાંનું એક ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીની સૂચના મુજબ મામલતદાર આર.કે. પંચાલ અને તેમની ટીમ તેમજ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમ દ્વારા જેસીબી અને પોલીસની હાજરીમાં આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી. અગાઉ આ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.









































