નસવાડીમાં ધોરણ ૧૦ની પરીક્ષાને લઇ મોટી બેદરકારી સામે આવી છે. તમામ વિષયની પરિક્ષા આપનાર વિદ્યાર્થીનીને ગેરહાજર બતાવી દીધી. નસવાડીની એસ.બી.સોલંકી શાળાની વિધાર્થિની સાથે બનાવ બન્યો છે. વિદ્યાર્થીની પરિક્ષા સમયે અન્ય સીટ નંબર પર બેસી જતા આ પરિણામ આવ્યુ છે. તપાસ કરતા જાણવા મળ્યુ કે, જે સીટ પર બેસી પરિક્ષા આપી તે વિદ્યાર્થી ગેરહાજર હતો જો કે પરિણામ આવતા તે પાસ થયો છે. તેથી આ સમગ્ર ગોટાળાને લઇ અરજી કરવામાં આવી છે. પરંતુ આ બનાવ બાદ પરિક્ષા કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારીઓની બેદરાકરી પર સવાલ ઉઠી રહ્યા છે.

નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થિની અંકિશાબેન તીરથસિંહ પરમાર નસવાડીની એસ બી સોલંકી વિદ્યામંદિરમાં ધોરણ ૧૦માં અભ્યાસ કર્યો હતો. જ્યારે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં આ વિદ્યાર્થિનીનો નંબર નસવાડીની આદર્શ નિવાસી શાળાના બિલ્ડિંગ આવ્યો હતો જેનો બેઠક નંબર બી ૫૩૪૯૨૭૩ હતો અને તેણે તમામ વિષયના પેપર તારીખ ૨૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી સતત આદર્શ નિવાસી શાળાના પરીક્ષા કેન્દ્રમાં દરેક વિષયની પરીક્ષા આપી હતી અને બેઠક નંબરની રીસિપ્ટમાં પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા શિક્ષકની સહી હોલ ટિકિટમાં છે. જ્યારે ધોરણ ૧૦ના પરિણામ આવ્યા તેમાં આ વિદ્યાર્થિનીએ આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા કેન્દ્રમાં આવી જ નથી અને તેને ગેરહાજર બતાવી દેવામાં આવી. જ્યારે પરિણામ હાથમાં આવતા વિદ્યાર્થિની ચોંકી ઉઠી હતી.

જ્યારે નસવાડી કવાંટ રોડ ઉપર આવેલી મદની સ્કૂલનો વિદ્યાર્થી મકરાણી અલ્બાક્ષભાઈ સબીરભાઈ ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો તેણે પરીક્ષા માટે સ્કૂલમાંથી ફોર્મ પણ ભર્યું હતું અને તેની હોલ ટિકિટ પણ આવી હતી. તેનો પણ આદર્શ નિવાસી શાળાના પરીક્ષા કેન્દ્રમાં તેનો બેઠક નંબર આવ્યો હતો પરંતુ તેણે ધોરણ ૧૦ની પરીક્ષા આપી જ ન હતી અને તેની હોલ ટિકિટ નંબર બી ૫૩૪૯૨૭૧ છે. તેણે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં એક પણ પેપર આપ્યું ન હતું જ્યારે તેને પરીક્ષામાં પાસ કરી દેવામાં આવ્યો છે અને ૫૨ ટકા આપવામાં આવ્યા છે.

જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને ટ્રેનિંગ આપે છે અને તમામ શિક્ષકોને પરીક્ષા કેન્દ્રમાં કોઈ છબરડો ના થાય તેના માટે અનેક વખત શિબિરો રાખવામાં આવે છે. જ્યારે આદર્શ નિવાસી શાળાના પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ ગંભીર પ્રકારની બેદરકારી રાખી છે.