(૧) ધોની છેલ્લી બે ઓવર જ રમવા કેમ આવે છે?
વર્ષાબેન પંપાણિયા (રાજુલા)
નોટ આઉટ રહેવાય અને કહેવાય એ માટે.
(૨) મતદાન કર્યું હોય ત્યારે આંગળી ઉપર શાહીનું નિશાન કેમ કરે છે?
કટારિયા આશા એચ. (કીડી)
લગ્ન હોય ત્યારે મહેંદી મૂકવી પડે.
(૩) કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ગોળ કેમ ખવડાવવામાં આવે છે, ખાંડ કેમ નહીં?
યોગેશભાઈ આર જોશી (હાલોલ)
જનતાનો એવો અનુભવ છે કે ખાંડ મુઠ્ઠીમાં લઇ ખવડાવવા જતા અર્ધી ખાંડ લાભાર્થીના શર્ટ પર અને મોઢા પર ચોંટેલી રહે છે.
(૪) પાડોશીના છોકરાં કરતા આપણા છોકરો વધારે હોશિયાર છે એવું સાબિત કરવાનો કોઈ ઉપાય?
રામભાઈ પટેલ (સુરત)
પાડોશીના છોકરાના ટકા અને આપણા છોકરાનો પીઆર રેન્ક બધાને કહેવો.
(૫) ચૂંટણીના પરિણામ બાબતે આપનું અનુમાન?
દર્શન પટેલ (વડોદરા)
કેટલા બધા ઉમેદવારો છે પણ દરેક સીટ પર એકએક ઉમેદવાર જ જીતશે જોજો!
(૬) નેતાઓ ચૂંટણી પત્યા પછી પાંચ વરસ માટે અજ્ઞાતવાસમાં કેમ ચાલ્યા જતા હશે?
જયશ્રીબેન બી મહેતા (કોટડાપીઠા)
પાંચ વરસ પછી ફરીથી જનતા સમક્ષ હાજર થવાની શકિત મેળવવા માટે.
(૭) તમે ક્યારેય લીફ્ટમાં ફસાયા છો?
રમાબેન પટેલ (અમદાવાદ)
હા, એક વખત લિફ્ટમાં સેલ્સમેન ભેગો થઈ ગયો હતો!
(૮) માનવી મરે એટલે આગળ સ્વ. લખે છે. બધા સ્વર્ગમાં જ જાય તો નર્કમાં કોણ જતું હશે ?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
સ્વર્ગમાં જઈને પણ સખણા ન રહે એ.
(૯)સવારમાં એલાર્મ વગર વહેલા જાગવા માટે રાત્રે ડિનરમાં શું ખાવું જોઈએ?
કનુભાઈ પરમાર (દામનગર)
ખાવા કરતાં કાઈ ન ખાવાથી વહેલા ઉઠવામાં મદદ મળશે.
(૧૦) તમે ક્યાં સુધી ભણ્યા છો ?
રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)
જ્યાં ભણવાનું પૂરું થાય ત્યાં સુધી.
(૧૧) શરૂઆતમાં સાસરીયાવાળા જમાઈને બહુ સાચવે કેમ?
સતિષ રાતડીયા (બાબરા)
જમાઈને એવું લાગે છે કે મને સાચવે છે બાકી એવું કાઈ ન હોય.
(૧૨) પાણીપૂરી બંધ કરી દેવામાં આવે તો શું થાય ?
હાફિઝ રિયાઝ સેલોત (રાજુલા)
પાણીપુરીવાળા આંદોલન કરે અને બહેનો એને ટેકો જાહેર કરે.
(૧૩) સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ એસ. ટી.બસમાં આ ત્રણ નિયમનું પાલન કેમ નહિ થતું હોય?
વૈઠા હિરવા કે.(પાનસડા)
બસમાં કંડકટર અને ડ્રાઇવર એમ બે જ કર્મચારીઓ હોય છે અને તમે નિયમો ત્રણ બતાવ્યા છે. એટલે દર વખતે એક નિયમ પાળ્યા વિનાનો રહી જાય છે!
(૧૪) આ ઉનાળાની લૂને લીધે સવાલ પણ બળી જાય છે, શું કરવું?
એકતા “આસ્થા”(બાબરા)
મારી પાસેથી પ્રેરણા લો. હું તો જવાબ ફ્રીજમાં જ મૂકી રાખું છું. આપવાના હોય ત્યારે જ કાઢવાના!
(૧૫) આ વર્ષે તડકો કેમ બહુ વધારે છે ?
મુસ્તુફા કનોજીયા (રાજુલા)
ચૂંટણી છેને, મત દેવા આવ્યો હોય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..