અમરેલી જિલ્લાના ધારી તાલુકાની સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત રાઠોડની ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને માનવીય અભિગમનો કિસ્સો સામે આવ્યો છે. ધારી તાલુકાના નવા ગામના એક મહિલા દર્દીને અગાઉ કરાયેલી કોઈ સર્જરી દરમિયાન ભૂલથી હાથમાં સોય રહી ગઈ હતી. આ મહિલા લાંબા સમયથી હાથમાં અવારનવાર થતા અસહ્ય દુખાવાથી પીડાતા હતા. આ સમસ્યાને લઈને તેઓએ ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ડો. અમિત રાઠોડનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરે પ્રાથમિક તપાસ બાદ તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ડો. અમિત રાઠોડ અને તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરીને મહિલાના હાથમાં ખૂંપી ગયેલી સોયને બહાર કાઢવામાં આવી હતી. સફળ સર્જરી બાદ મહિલાએ વર્ષો જૂના દુખાવામાંથી મુક્તિ મેળવી હતી. સિવિલ હોસ્પિટલમાં જ આવી જટિલ કામગીરી અને સચોટ રીતે થતા સ્થાનિકોમાં ડોક્ટરની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.