દિવાળીના વેકેશનને લઈ ધારીના સફારી પાર્કમાં સેંકડો મુસાફરો આવે છે. સફારી પાર્કના પાર્કિર્ંગમાં કારનો કાચ તોડી સોનાના ચેઇન સહિત રૂ. ૧.૯૪ લાખની ચોરી કરી ઈમસો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સુરતમાં રહેતા પ્રફુલાબેન ગીરીશભાઈ માલવીયા (ઉ.વ.૩૬)એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ફોર વ્હીલ કાર લઇને સફારી પાર્કમાં ફરવા આવ્યા હતા. સફારી પાર્કના પાર્કિર્ંગમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે ફોરવ્હીલ કારનો પાછળના દરવાજાનો નાનો કાચ તોડી કાર અંદર મુકેલ ફરિયાદીના પર્સમાંથી સોનાનો ચેઇન, એક સોનાની લક્કી, સોનાનું પેન્ડલ, સોનાની વીંટી, ચાંદીની ત્રણ વીંટી, રોકડા રૂ.૬૩૦૦ તેમજ કટલેરીની ચીજ વસ્તુ મળી કુલ કિં.રૂ.૧,૯૪,૩૦૦ મત્તાની ચોરી કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.