ધારી શહેરમાં ‘ઓપરેશન સિંદૂર’ના સમર્થનમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી જી.એન. દામાણી હાઈસ્કૂલ ખાતેથી ધારાસભ્ય જે.વી. કાકડીયાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરભરમાં પસાર થતી આ યાત્રા પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને દેશભક્તિ ગીતો ગુંજી ઉઠ્‌યા હતા. તાજેતરમાં પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલા અને તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત અનેક આતંકીઓને ઠાર મરાયા બાદ દેશભરમાં આ પ્રકારની તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. આ યાત્રામાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મૃગેશભાઈ કોટડીયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રરક્ષાના સંકલ્પ અને દેશપ્રેમના ભાવ સાથે સંતો, મહંતો, વેપારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા.