ધારી શહેરનું રેલવે સ્ટેશન અને ત્યાંથી પસાર થતી મીટર ગેજ ટ્રેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ થતાં સ્થાનિકો અને પર્યટકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવારો અને વેકેશનના સમયમાં મુસાફરોની અવરજવર વધતાં લોકોએ ફરીથી રેલવે સ્ટેશન અને ટ્રેનો શરૂ કરવાની માગણી કરી છે. ધારી શહેર ગીર વિસ્તારનું એક મહ¥વનું કેન્દ્રબિંદુ છે. અહીં આંબરડી સફારી પાર્ક, જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ અને ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર જેવા ધાર્મિક તથા પર્યટન સ્થળો આવેલા છે, જે સતત લોકોની અવરજવરનું કેન્દ્ર છે. અહીંથી વેરાવળ અને જૂનાગઢ જતી મીટર ગેજ ટ્રેન વેપારીઓ, સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે મુસાફરી સરળ બનાવતી હતી. ટ્રેન સેવા બંધ થતાં તમામ લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, છ મહિના અગાઉ પણ ધારી શહેરના સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન ફરી શરૂ કરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આજની તારીખે પણ તેમનો પ્રશ્ન યથાવત્ છે. હવે જોવાનું એ રહેશે કે સાંસદે આપેલ બાંહેધરી કેટલી જલ્દી પૂરી થાય છે.
સાંસદે ટ્રેન સેવા શરૂ કરવાની બાંહેધરી આપી
ધારીથી વેરાવળ અને જૂનાગઢ જતી મીટર ગેજ ટ્રેન સેવા શા માટે બંધ કરવામાં આવી, તે અંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. સાંસદે જણાવ્યું હતું કે અમરેલી બ્રોડગેજ રેલવેની કામગીરી ચાલી રહી હોવાથી રેલવે સ્ટેશન અને રેલવે સેવા બંધ કરવામાં આવી છે. જોકે, સાંસદ દ્વારા રેલવે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે અને ટૂંકા સમયમાં ધારીથી સોમનાથ સુધીની ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.




































