અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અને ખેડૂત નેતા ગોરધનભાઈ ઝડફિયાએ વિવિધ ગામડાઓમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ જુના વાઘણીયાથી લઈને ધારગણી બેઠક સુધીના જિલ્લા અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જંગી સભાઓ સંબોધી હતી. બગસરાથી શરૂ થયેલો આ પ્રચાર પ્રવાસ રાત્રે ગોપાલગ્રામ ખાતે સભા સાથે પૂર્ણ થયો હતો. આ પ્રવાસમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દીપકભાઈ વઘાસિયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સહિતના અનેક સહકારી તથા સંગઠનના અગ્રણીઓ જોડાયા હતા. ઠેર-ઠેર યોજાયેલી સભાઓમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.










































