ધારી અને બગસરા એસટી ડેપોની બેદરકારીના કારણે ધારીથી રાજકોટ અને બગસરાથી રાજકોટ જતી બસો મહિનામાં ૧૫ દિવસ સુધી બંધ રહે છે. આના કારણે વિદ્યાર્થીઓ, નોકરી કરતા લોકો અને ખાસ કરીને હોસ્પિટલ જતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોએ અવારનવાર ડેપો મેનેજરને આ સમસ્યા અંગે જાણ કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. ફરિયાદ કરવા માટે ફોન કરતાં પણ યોગ્ય જવાબ મળતો નથી અને ઘણીવાર ફોન બંધ કરી દેવામાં આવે છે. વર્ષોથી ચાલતી ધારી-રાજકોટ મેટ્રોલિંક બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે લેખિતમાં ડેપો મેનેજરને જાણ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે, ઉચ્ચ અધિકારીઓ આ સમસ્યાનું નિરાકરણ લાવે અને ધારીથી રાજકોટ અને બગસરાથી રાજકોટ જતી બસ સેવા ફરી શરૂ કરવામાં આવે.