અમરેલી જિલ્લામાં રેશનીંગનો જથ્થો બારોબાર વેચાઈ જવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ધારી પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે. ધારીના પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ સોમવારે રાત્રે ખાંભાના ડેડાણ ગામેથી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એક બોલેરો ગાડીમાંથી ૪૨૮ કિલો ઘઉં અને ૨૫૨૯ કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ૭.૮૦ લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ જથ્થો સીઝ કરીને ખાંભા મામલતદારને સોંપવામાં આવ્યો હતો. બોલેરો ચાલકે જણાવ્યું હતું કે આ જથ્થો ડેડાણથી જૂનાગઢ લઈ જવાનો હતો. હાલ પુરવઠા વિભાગ દ્વારા આ ઘઉં-ચોખાનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે ભેગો કર્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી રેશનીંગના જથ્થાની ગેરરીતિ ફરી એકવાર સામે આવી છે.









































