હિમખીમડી પરા વિસ્તારના રહેવાસી મગનભાઈ પ્રેમજીભાઈ થળેસાએ ધારી પોલીસ સ્ટેશનની છત પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સ્ટેશનની છત પર ચડીને આત્મહત્યા કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ યુવકે છત પરથી પડતું મુકતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને PCR વાનમાં સારવાર અર્થે ધારીની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોના નિવેદન લીધા બાદ સાચું કારણ બહાર આવશે.
આ અંગે ધારી પીઆઈ દેસાઈએ જણાવ્યું હતું કે મૃતક સામે પહેલા પ્રોહિબીશનના ગુના દાખલ થયેલા હતા જ્યારે માતાનું નિવેદન નોંધવામાં આવતા મગનની માતાએ જણાવ્યું હતું કે મૃતક યુવાન છેલ્લા ચાર પાંચ દિવસથી ગુમસૂમ રહેતો હોય તેને હિસાબે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે.









































