અમરેલી જિલ્લાની પરિણીતાઓ પર સાસરીયાઓનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. દીકરીને સાસરીયામાં વળાવ્યા પછી સાસરીયાઓ દહેજ અને કામ બાબતે વારંવાર મેણાટોણા મારતા હોવાથી પરિણીતાને સાસરીયામાં રહેવુ દુષ્કર થઈ જાય છે. ઘણીવાર તો સાસરીયાઓનો ત્રાસ સહન થતો ન હોવાથી પરિણીતા મોતને પણ મીઠુ કરી લે છે. જેમાં ધારીના નબાપરામાં રહેતી પરિણીતાને બોટાદમાં સાસરીયાઓએ અમાનુષી ત્રાસ આપતા પરિણીતાએ સાસરીયા વિરૂધ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હંસાબેન મયુરભાઈ જમોડે ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન બોટાદ મુકામે મયુર શાંતિલાલ જમોડ સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષો બાદ પતિ મયુર, સસરા શાંતિલાલ અને સાસુ સવિતાબેન નાની-નાની વાતોમાં ઝઘડો કરી પરિણીતાને હેરાન કરતા હતા અને ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા. પતિ વારંવાર મુંઢમાર મારી દહેજની માંગણી કરતો હતો આથી છેવટે સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા હંસાબેને ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.










































