ધારી શહેરને જ્યારથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ધારી નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને લગ્ન નોંધણી, ગંદકીના પ્રશ્નો, સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો તેમજ કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ધારીને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી લોકો આશા સેવતા હતા પરંતુ આ આશા ઠગારી નીવડી હતી. જો ૧૫ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.