ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે ધારી નગરપાલિકાના ૫૫ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાયર સેફ્‌ટી, ૧૦૮/૧૧૨ ઇમરજન્સી સેવાઓ અને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) અંગેનો વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કુદરતી કે માનવસર્જિત આફતો સમયે નગરપાલિકાના ફ્રન્ટલાઈન સ્ટાફને ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે સક્ષમ બનાવવાનો છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાની ૧૦ નગરપાલિકાઓ માટે આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ધારી નગરપાલિકા ખાતે જી.એન. દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ચીફ ઓફિસર દિલીપભાઈ એન. હુણે સંભાળ્યું હતું. તાલીમ દરમિયાન, પ્રાદેશિક ફાયર કચેરીના હરેશભાઈ સરતેજા અને તેમની ટીમે ફાયર સેફ્‌ટી અંગે પ્રેક્ટિકલ નિદર્શન સાથે માહિતી આપી હતી.