ધારીના ગીગાસણ ગામે યુવકને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે સુરેશભાઈ માધાભાઈ વાઘેલા (ઉ.વ.૨૫)એ અલ્પેશ ઉર્ફે જીગાભાઈ શામજીભાઈ વાઘેલા, હાર્દિકભાઈ શામજીભાઈ વાઘેલા, રાજુભાઈ ભીખાભાઈ વાઘેલા, લીલાબેન શામજીભાઈ વાઘેલા તથા દયાબેન ચીમનભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ભાણેજે આરોપી અલ્પેશ વાઘેલાની બહેનને ભગાડી લઈ જઈ લગ્ન કરી લીધા હતા. જે બાબતે તેમના તથા આરોપીના પરિવાર વચ્ચે મનદુઃખ ચાલતું હતું. તેમના મોટાભાઈ સાહેદ ભાવેશભાઈના દીકરા તથા રાજુભાઈ વાઘેલાના દીકરા વચ્ચે ઝગડો થયો હતો. જે બાબતે તેમના ભાભી સંગીતાબેને આરોપીઓને ઠપકો આપ્યો હતો. જે બાબતનું મનદુઃખ રાખી ભાવેશભાઈ બજારમાં નીકળ્યા ત્યારે અલ્પેશ વાઘેલાએ ગાળો આપી બોલાચાલી કરી હતી. જેથી તેઓ સમજાવવા જતા અન્ય આરોપીઓ આવી ગયા હતા. આરોપીઓએ તેમને પકડી લીધા હતા અને લાકડી-પાઈપના ઘા મારી ફ્રેક્ચરની ઈજા પહોંચાડી હતી. તેમજ તમામ આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી તેમને તથા સાહેદને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.