ધારી તાલુકાના ખારાપાટ વિસ્તારના અનેક ગામોમાં કમોસમી માવઠાથી કપાસના પાકને ભારે નુકસાન થયેલ છે. પાણીયાદેવ ગામના સરપંચ ચંપુભાઈ વાળાએ આક્રોશભેર રજૂઆત કરી કે રાજ્ય સરકાર અન્ય વિસ્તારોના ખેડૂતોને વળતર ચુકવી રહી છે, પરંતુ ખારાપાટના ખેડૂતોને અવગણવામાં આવ્યા છે. ખાસ કરીને પાણીયાદેવ, નવા-જુના ચરખા, કેનાલપરા, ગરમલી ચરખા, કથીરવદર, કમી, કેરાળા અને ઢોલરવા જેવા ગામડાઓમાં ૯૫% જેટલું કપાસનું વાવેતર છે, જેને ભારે નુકસાન થયું છે. તેમ છતાં આ ગામોને સહાયમાંથી વંચિત રાખવામાં આવ્યા છે. સરપંચ વાળાએ સરકારને સવાલ કર્યો કે ૨૦૨૪ના માવઠાથી થયેલા નુકસાનમાં આ વિસ્તારના ખેડૂતોને વળતર કેમ મળ્યું નથી? પીડિત ખેડૂતોને વહેલી તકે સહાય મળે તેવા આગ્રહ સાથે તમામ ગામડાના ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક ન્યાય આપવાની માગણી ઉઠાવવામાં આવી છે.