અમરેલી જિલ્લામાં ફરી એક સિંહબાળનું મોત નિપજતાં સિંહપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગીરના ઘરેણા સમાન સિંહો અકાળે મોતને ભેટી રહ્યાં છે. જેમાં ટ્રેનની અડફેટે તેમજ ખુલ્લા કૂવામાં સિંહો ખાબકતા હોવાથી સિંહોના મોત થઇ રહ્યાં છે. તો ધારી ગીર પૂર્વ રેન્જમાં ૩ થી ૪ માસના સિંહબાળનું મોત થયું હોવાની ઘટના સામે આવતાં સિંહના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે. સિંહોને બચાવવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવે છે. આમ છતાં વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાની સિંહપ્રેમીઓમાંથી ફરિયાદ ઉઠવા પામી છે. સરસિયા રેન્જના છતડીયા બીટ વિસ્તારમાં આવેલ ઝર ગામ નજીક સિંહબાળનો મૃતદેહ મળી આવતાં સિંહબાળના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે ઇનફાઇટમાં સિંહબાળનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે.