ધારીના સ્થાનિક સફાઇ કામદારો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોને લઇ ગામમાં એક બોર્ડ લગાવી સ્થાનિક લોકોને ગામ બંધ રાખી સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, ધારી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓના ચડત પગાર, કાયમી સફાઇ કામદાર તેમજ રોજમદાર સફાઇ કામદારના પ્રશ્ને કામગીરી બંધ કરેલ હતી. જેથી અમોને વેપારી મંડળના મુકેશભાઇ રૂપારેલીયા દ્વારા તથા સરપંચ દ્વારા સમજાવટ કરી ૩ પગાર અને દિવાળી બોનસ આપી દેવાનું જણાવવામાં આવ્યું હતું. કામગીરી કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે. અમો પગારની ઉઘરાણી કરવા ગયા તો અમોને ધુત્કારીને બહાર કાઢી મુકેલ હતા. પગાર બંધ હોવાથી અમોને અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું? ગ્રામ પંચાયત પાસે બહારથી બોલાવેલ મજૂરોને આપવા માટે પૈસા છે, પરંતુ સ્થાનિક રોજમદારોને પૈસા ચૂકવાતા નથી. ત્યારે આ અંગે ધારીના ગ્રામજનોને ગામ બંધ રાખવા જણાવાયું હતું.’