આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને
જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધારી સ્થિત દામાણી હાઈસ્કૂલ ખાતે મતદાન
જાગૃતિ માટે કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. કબડ્ડી ટૂર્નામેન્ટના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો હતો. નાગરિકોએ સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લીધી હતી અને મતદાન માટે સંકલ્પ લીધો હતો. વિજેતા અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. કબડ્ડીના સ્પર્ધકોને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજુલા વિસ્તારના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યરત શ્રમિકોને તથા સંસ્થાના માલિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્થળાંતરિત મતદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવા વિશે માહિતી અને માર્ગદર્શન આપી અચૂક મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અમરેલી જિલ્લાના બાબરા, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના વિસ્તારની મહિલાઓ સામૂહિક મહેંદી કાર્યક્રમમાં જોડાયા હતા. મહિલાઓએ મહેંદીની વિવિધ ભાત પાડી અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. રાજુલા તાલુકાના મોટા આગરીયા ખાતે ગ્રામજનો અને શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોને મતદાન કરવા અને અન્ય આસપાસના પાંચ નાગરિકોને મતદાન કરવા માટે જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.