ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમૌસમી માવઠાની મોકાણ થી – ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ હતુ. ધારીના જુના બસ સ્ટેશન ખાતે ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમૌસમી માવઠાને કારણે જગતના તાત ખેડુતોને ભારે નુક્સાન થયેલ છે ત્યારે મંગળવારના રોજ સવારે ૯ઃ૦૦ થી બપોરના ૧૨ કલાક સુધી ખેતી બચાવો સત્યાગ્રહ નું આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકા ભરના ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ માજી ધારાસભ્ય પરેશ ભાઈ ધાનાણી સહિતના રાજકીય આગેવાનોની હાજરીમાં ખેડુતો ઉપસ્થિત રહેલ હતા. મગફળી અને કપાસ સહિતના તમામ પાકોમાં મોટું નુક્સાન થયેલ છે. ખેડુતોના માલનો પુરો ભાવ આપવામાં આવતો નથી. જેના કારણે ખેડુતો દેવાના ડુંગર તળે દબાયેલ છે અને આત્મહત્યા તરફ જઈ રહેલ છે. હાલ ખેડુતોના નુકસાનની ગંભીર નોંધ રાજ્ય સરકાર લેતી નથી. સર્વેના નાટક કરીને જગતના તાતને મશ્કરીરૂપ સહાય ચુકવવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવેલ ત્યારે, સહાય રૂપે પાક ધિરાણ માફીની વ્યાજબી માંગણી અથવા તો વિઘા દીઠ પચાસ હજાર કરતાં વધારેનું નુકશાન થયેલ છ,ે જે સહાય પેકેજ તાત્કાલિક ચુકવવાની માંગ સાથે ઉપસ્થિત નેતાઓએ ભાજપની સરકાર સામે ચાબખા મારેલા હતા. ધારી તાલુકાના ગામડાઓ સહીત ચલાલા વિસ્તારમાંથી પણ ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના દરેક આગેવાનો અને કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે સુત્રોચ્ચાર પણ કરેલ હતા તેમજ આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી.