ધારી તાલુકાના એક હજારથી વધુ ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અવસરે ધારાસભ્ય જે.વી. કાકડીયા તથા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે સર્વેના નામે નાટક નહીં, પરંતુ પાક નુકસાન માટે ૧૦૦ ટકા સહાય અને તમામ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે. કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતો આત્મહત્યાની કગાર પર છે, તેમ પણ જણાવ્યું હતું. તમામ સમાજ અને રાજકીય પક્ષના ખેડૂતો એકતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર માંગ સ્વીકારશે નહીં તો ૪ નવેમ્બરે ધારીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે અને ૨૦૨૭ની ચૂંટણીમાં સરકારને જવાબ અપાશે.










































