અમરેલી જિલ્લામાં વ્યાજના વિષચક્રનું ભૂત ફરી એક વખત ધૂણ્યું છે. ધારીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને મોત વ્હાલું કરનારા મૃતકના ભાઇએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
ધારીના વાઘાપરામાં રહેતા લાલજીભાઇ બાબુભાઇ સોલંકી (ઉવ.૩૬)એ ધારીમાં રહેતા ત્રણ ઇસમો ભગતભાઇ પાટડીયા, પકાભાઇ વાઢાળા, પીંટુભાઇ મકવાણા, સરસિયાના ભવદિપભાઇ દરબાર અને કુબડાના અનીરાજભાઇ દરબાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ભાઈ હિમ્મતભાઇ બાબુભાઇ સોલંકીએ આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધા હતા. જે બાદ આરોપીઓ પઠાણી ઉઘરાણી કરતાં હતા. જેનાથી કંટાળી તેમના ભાઈએ પંદર દિવસ પહેલા ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એલ.કે.જેઠવા વધુ તપાસ કરી રહ્યા છે.