ધારીમાં મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ વચ્ચે બી.એલ.ઓ.ની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. આંગણવાડી સંચાલિકાઓને બી.એલ.ઓ.ની કામગીરી ફરજિયાત સોંપવામાં આવતા મામલો ઉગ્ર બન્યો છે. સંચાલિકાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે, તેઓ પાસે પહેલેથી જ કામનું ભારણ વધુ છે, તેથી બી.એલ.ઓ.ની વધારાની કામગીરી કરવી શક્ય નથી. આ મુદ્દે યોજાયેલી એક બેઠકમાં અધિકારીઓ દ્વારા સંચાલિકાઓને કથિત રૂપે ખખડાવવામાં આવતા ત્રણ સંચાલિકાઓની તબિયત લથડી હતી અને તેમને ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. એક સંચાલિકાએ ધારી મામલતદાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમને બી.એલ.ઓ.ની કામગીરી નહીં સ્વીકારવા બદલ વોરંટ ઇસ્યુ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાએ આંગણવાડી સંચાલિકાઓમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જ્યો છે. જા કે આ ગંભીર ઘટના મુદ્દે મામલતદારે મૌન સેવતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.







































