હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો નથી. ધીમીધારે વરસતા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના જળાશયો હજુ ખાલી જાવા મળી રહ્યાં છે. જેમાં ગીર જંગલના ગામડાઓમાં સૌથી વધારે અને સતત ધીમીધારે પડી રહેલા વરસાદના કારણે સૌ પ્રથમ જિલ્લામાં ધારી નજીક આવેલ ખોડિયાર ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા મોડી રાતે એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૮૦% ઉપરાંતનો ડેમ ભરાઈ જતા ગમે ત્યારે ઓવરફ્‌લો થવાની શકયતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શેત્રુંજી નદી પર આવેલ ખોડિયાર ડેમ સૌથી મોટો ડેમ આવેલ છે. સિંચાઈ વિભાગ દ્વારા ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવશે, ડેમ કાંઠે અને નદી કાંઠે સ્થાનિક લોકોએ અવર જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. ડેમની ઓવરફ્લોની શક્યતાને લઈ ખોડિયાર ડેમ ૮૦% ઉપરાંત ભરાઈ જતા ધારી, બગસરા, અમરેલી,લીલીયા, સાવરકુંડલા તાલુકાની હેઠળ આવતા ગામડા હાલરીયા, પાદરગઢ, હુલરીયા, વિઠલપુર, મેડી, આંબા, કણકોટ, બવાડા, આકોલવાડા, મેકડા, ઘોબા, પીપરડી, મોટા ગોખરવાળા, ઈંગોરાળા, સરંભડા, તરવડા, બોરાળા સહિતના ગામડાઓને સંતર્ક રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.