ધારીની એક યુવતીના લગ્ન અમદાવાદના યુવક સાથે રિતરિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે અનેક સોનેરી સપના લઈને યુવતી મહાનગરમાં આવી હતી. પરંતુ થોડા જ મહિનાઓમાં સાસરિયાના સિતમથી મહાનગરથી મોહભંગ થયો હતો. સાસરિયા દ્વારા દહેજ મુદ્દે કનડગત કરી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી પિયર પરત ફર્યા બાદ તેણે દહેજ ભૂખ્યા સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ ધારીમાં રહેતી રાધિકાબેન પાર્થભાઈ ચોલરા (ઉ.વ.૩૦)એ અમદાવાદના ઘાટલોડીયાના સત્તાધાર વિસ્તારમાં આવેલા સુરસાગર ટાવરમાં રહેતા પતિ પાર્થભાઈ નટવરલાલ ચોલેરા, સાસુ અંજુબેન નટવરલાલ ચોલેરા તથા સસરા નટવરલાલ ભગવાનજીલાલ ચોલેરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ નાની નાની વાતમાં મેણાંટોણાં મારી મારકૂટ કરતા હતા. ઉપરાંત અવારનવાર ગાળો આપી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી હતી તથા વધુ કરિયાવરની માંગ કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમારસિંહ કેશુભા રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.