ધારી તાલુકાના હુડલી ગામના રહીશો છેલ્લા આઠ વર્ષથી ચલાલાને જોડતા આઠ કિલોમીટરના ખખડધજ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ૧૫૦૦થી વધુ વસ્તી ધરાવતા અને મુખ્યત્વે ખેતી તથા કેરીના બગીચા પર નિર્ભર આ સુખી સંપન્ન ગામનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ગામના સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આજે બપોરે ધોમધખતા તાપમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગ્રામજનોએ ધારાસભ્ય જે.વી. કાકડીયા અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આઠ વર્ષથી રસ્તાનું સમારકામ ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ શરૂ કરવાની માંગ કરી હતી.










































