ધારી પોલીસે ગત તા.૧ના રોજ પરપ્રાંતિય વ્યક્તિઓની ઓળખ અને તપાસ માટે ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન, હિમખીમડીપરામાં રહેતા અમદાવાદના મોહમંદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પાસે કોઈ ઓળખપત્ર ન મળતા ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ મદ્રેસાના મૌલવીના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાનના
ગૃપ સાથે અરબી ભાષામાં ચેટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને મૌલવીની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન હિમખીમડીપરાના પ્લોટ નંબર ૬૬ અંગે તપાસ કરવામાં આવી હતી, જે ૧૯૯૦માં ભીખુભાઈ મોગલને રહેણાંક માટે ફાળવવામાં આવ્યો હતો અને તેમણે મદ્રેસાને દાનમાં આપ્યો હતો. હાલમાં આ પ્લોટનો ઉપયોગ રહેણાંક માટે ન થતો હોવાથી અને મદ્રેસા તરીકે થતો હોવાથી ફાળવણીની શરતોનો ભંગ થયો હતો. આથી, લેન્ડ કમિટીએ આ પ્લોટ સરકારને પાછો સોંપવા અને પ્લોટ વિહોણા લાભાર્થીઓને ફાળવવા માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો હતો.પોલીસ તપાસમાં માલૂમ પડ્‌યું કે પ્લોટ પર મદ્રેસા એ દિનેમહમ્મદીનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જે ફાળવણીની શરતોનું ઉલ્લંઘન હતું. આથી, ધારીના પ્રાંત અધિકારી અને તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં અને પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન કરતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.