પકડાયેલા મૌલાના પાસે આધાર પુરાવા નહી, અમદાવાદના જુહાપુરામાં રહેતો હોવાની કબુલાત

મૌલવીનો મોબાઈલ તપાસતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળતા પોલીસ ચોંકી ઉઠી

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ ચાલી રહ્યો છે. જેથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ, પાકિસ્તાનીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અમરેલી એસઓજીએ ધારીમાંથી શંકાસ્પદ મૌલાનાની ધરપકડ કરી હતી. જેમાં તેના વોટ્‌સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદરેસામાં ભણાવતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ પર એસઓજીને શંકા ગઇ હતી. જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા. જોકે, મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબ્જે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં મોબાઇલમાંથી સાત પાકિસ્તાન અને આફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા હતા. અમરેલી એસઓજી પીઆઈ આર.ડી. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.

 

મૌલાનાના પાક. કનેકશનની તપાસ ચાલુ: એસ.પી.
અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું કે, મૌલાનાની શંકાસ્પદ
પ્રવૃત્તિઓ લાગતા તેની અટકાયત કરીને પૂછપરછ કરતા તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે. જોકે, હજી તેની પૂછપરછ ચાલુ છે. આ મૌલાના પાકિસ્તાની કનેક્શન ધરાવે છે કે કેમ તે તેની તપાસ બાદ સામે આવશે.

પોલીસની ટીમ જુહાપુરા મૌલાનાની ઘરે જશે
ધારીના હીમખીમડીપરામાં પકડાયેલા મૌલાનાના મોબાઈલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ ચેટ મળી આવતા પોલીસ હરકતમાં આવી છે. આ અંગે એસઓજી પીઆઈ ચૌધરીએ જણાવ્યું છે કે, મૌલાના અમદાવાદના જુહાપુરા ખાતે રહે છે જેથી પોલીસની એક ટીમ આજરોજ મૌલાનાના નિવાસસ્થાન જુહાપુરા તપાસ અર્થે જશે