અમરેલી જિલ્લામાં પરિણીતા પર કરિયાવર મુદ્દે અત્યાચારનો વધુ એક કિસ્સો નોંધાયો હતો. ધારીના સસરીયા ગામની એક યુવતીના લગ્ન ભાવનગરના મહુવાના લોગીયા ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સુરત રહેતા હતા. સાસરિયાએ કરિયાવર મુદ્દે કનડગત કરી હતી. સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફફડી ઉઠેલી પરિણીતા પિયર આવી હતી અને દહેજભૂખ્યા સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નયનાબેન બકુલભાઈ બારૈયા (ઉ.વ.૩૦)એ સુરતના અમરોલીમાં રહેતા પતિ બકુલભાઇ ત્રિકમભાઇ બારૈયા, સસરા ત્રિકમભાઇ માધાભાઇ બારૈયા, સાસુ કુંવરબેન ત્રિકમભાઇ બારૈયા, નણંદ કંચનબેન ત્રિકમભાઇ બારૈયા તથા જેઠ વિપુલભાઇ ત્રિકમભાઇ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ કામકાજ મુદ્દે મેણાટોણા મારતા હતા. પતિ ગાળો બોલી મારકૂટ કરતો હતો તેમજ સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ કરિયાવરની પણ માંગણી કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. માઢક વધુ તપાસ કરી રહ્યા છે.