ધારીના વેકરીયાપરામાં એક વર્ષ પહેલા નોંધાયેલી અપહરણની ફરિયાદ મુદ્દે બે પક્ષોમાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. કનુભાઈ ઘુસાભાઈ ગુજરવાડીયાએ અરવિંદભાઇ હરેશભાઇ રાણાવડીયા, શૈલેષભાઇ હરેશભાઇ રાણાવડીયા, ભાવેશભાઇ મધુભાઇ રાણાવડીયા, રણજીતભાઇ મંગળુભાઇ બારૈયા તથા હરેશભાઇ લીંબાભાઇ રાણાવડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દીકરીના અપહરણની ફરિયાદ એકાદ વર્ષ પહેલા નોંધાઈ હતી. જેથી તેમના સાક્ષી અજયભાઇ ધનજીભાઇ રાણાવડીયાને ગાળો આપી હતી. જે બાબતનો ઠપકો આપતા આરોપીઓને સારૂ નહોતું લાગ્યું. પાંચેય જણાએ એક સંપ કરી હથિયાર ધારણ કરી ચંદુભાઇના માથાના ભાગે મારી બે ટાંકા આવે તેવી ઇજા કરી હતી. ઉપરાંત લોખંડના પાઇપ વડે હીરેનને આડેધડ માર માર્યો હતો. તેમજ લાકડીનો એક ઘા તેમના બાપુજીને મારી માથાના ભાગે ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ શૈલેષભાઇ હરેશભાઇ રાણાવડીયા (ઉ.વ.૨૬)એ કનુભાઇ ઘુઘાભાઇ ગુજરવાડીયા, ચંદુભાઇ ઘુઘાભાઇ ગુજરવાડીયા, હીતેષભાઇ ચંદુભાઇ ગુજરવાડીયા, રાજુભાઇ ચંદુભાઇ ગુજરવાડીયા, વિક્રમભાઇ મનસુખભાઇ રાણાવડીયા, અજયભાઇ ધનજીભાઇ રાણાવડીયા, ઘુઘાભાઇ ગુજરવાડીયા તથા હીરેનભાઇ કનુભાઇ ગુજરવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે,આરોપી તેમના ઘર પાસેથી ટુ વ્હીલ ગાડી લઇને નીકળ્યા હતા. સાહેદ અરવિંદભાઇએ અજયને ગાડી ધીમે ચલાવવા ઠપકો આપ્યો હતો. જેથી અજયને સારૂ નહીં લાગતા સાહેદ અરવિંદભાઇ સાથે માથાકૂટ કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી આવી લોખંડના પાઇપ વડે માથાના ભાગે આશરે સાતેક ટાકા આવે તેવી ઇજા કરી હતી.