ધારીના રાજસ્થળી ગામના પાટીયા પાસે એક સગીરને ૩ લોકોએ ફટકારી ગળામાંથી સોનાનો એક તોલાનો ચેન ઝુંટવી લીધો હતો. ઉપરાંત પેન્ટના ખિસ્સામાંથી રોકડા ૧૪,૬૦૦ કાઢી લીધા હતા અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે ઉનામાં રહેતા સગીરે કરમદડી ગામના દિપકભાઈ તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સગીર પોતાની મોટર સાયકલ લઇ દુધાળા ગીર ગામેથી ઉના પોતાના ઘરે આવતો હોય તે દરમિયાન રાજસ્થળી ગામના પાટીયા પાસે પહોચી ફોનમાં વાત કરવા ઉભો હતો. આ સમયે દિપકભાઇ રહે.કરમદડી વાળાએ તેમને જમણા હાથમાં, જમણા પગના નળામાં તથા પીઠના ભાગે લાકડાના ધોકા વડે માર મારી ગળામાંથી એક તોલા સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો તથા હાજર અજાણ્યા બે ઇસમોમાંથી એક લીલા કલરના ટીશર્ટ વાળાએ તેના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૧૪,૬૦૦- કાઢી લઇ કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત આરોપીઓ જતા જતા જેમફાવે તેમ અશ્લીલ ગાળો આપતા ગયા હતા. ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ.દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.