અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જંગલ વિસ્તાર નજીકના ગામોમાં સિંહો શિકારની શોધમાં આવી ચડતા હોવાની ઘટનાઓ સામાન્ય બનવા પામી છે. જા કે ધારીમાં ડાલામથ્થા સાવજો છેક સોસાયટી વિસ્તારમાં આવી ચડવાની ઘટના વધી રહી છે. ગતરાત્રીના યોગીઘાટ નજીક બે સાવજો શિકારની શોધમાં આવી ચડયા હતા. શહેરમાં અવારનવાર શિકારની શોધમાં સાવજો આવી રહ્યાં છે. અહીંના શિવનગર સોસાયટી, હરિકૃષ્ણનગર સોસાયટી, નવી વસાહત વિસ્તારમાં થોડા દિવસ પહેલા પાંચ સાવજો આવી ચડયા હતા અને મારણ પણ કર્યું હતું જેના કારણે સોસાયટી વિસ્તારના રહીશોમાં ભય ફેલાયો હતો.ગઇકાલે ધારીમાં બગસરા રોડ પર શેત્રુંજી નદીના યોગીઘાટ પાસે આવેલ બીએપીએસની પ્રેમવતી હોટેલ પાસે મુખ્ય માર્ગ પર બે સાવજો આવી ચડયા હતા અને ગાય અને વાછરડાનો શિકાર કરવાની કોશિષ કરી હતી. જેના કારણે આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રીના સમયે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને સિંહદર્શન કરવાનો લ્હાવો મળ્યો હતો.