ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના ચાર આશાસ્પદ દલિત યુવાનોનું અમરેલી તાલુકાના ગાવડકા ગામ પાસે શેત્રુંજી નદી પર બનેલા ચેકડેમના પાણીમાં ડૂબી જવાથી આકસ્મિક મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટના તારીખ ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ બની હતી. જેમાં ચાર યુવાનોના મૃત્યુ થયા હતા. ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આ કરુણ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે મૃત્યુ પામનાર તમામ યુવાનો અનુસૂચિત જાતિ સમાજના અને મજૂર વર્ગના હતા અને તેમના પરિવારોની આર્થિક પરિસ્થિતિ અત્યંત દયનીય છે. ધારાસભ્ય કાકડીયાએ મુખ્યમંત્રીને આ બાબતે ઘટતું કરવા અને પીડિત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવા રજૂઆત કરી છે. તેમ સંજય વાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.