ધારીના માણાવાવ ગામે થયેલી બોલાચાલી મુદ્દે સમજાવવા ગયેલા યુવકને તલવારના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે નજુભાઈ રામકુભાઈ વાળા (ઉ.વ.૩૧)એ તેમના જ ગામના રવિરાજભાઈ બદરુભાઈ વાળા, જયદીપભાઈ જીલુભાઈ વાળા, મહિપતભાઈ જીલુભાઈ વાળા, જીલુભાઈ દેસાભાઈ વાળા, બદરૂભાઈ દેસાભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિપતભાઈ જીલુભાઈ વાળા તેમના ફઇના દીકરા દિલુભાઇ ખોડાભાઇ ધાખડાની વાડી પાસે પોતાના માલઢોર ચારતા હતા તે સમયે ભેંસો દિલુભાઇની વાડીમાં ચરવા જતી રહી હતી. જે બાબતે દિલુભાઇએ ઠપકો આપતા બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. જે બાબતે સમાધાન થઇ ગયું હતું. આ વાતને લઇને તેઓ સમજાવવા જતાં સારું નહોતું લાગ્યું અને તલવાર કાઢી ઘા ઝીંક્યા હતા. તેમજ મુંઢ ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.