ધારીના માણાવાવ ગામે ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા તલવારના ઘા મારવામાં આવ્યા હતા. આ અંગે જીલુભાઈ દેશાભાઈ વાળા (ઉ.વ.૬૦)એ હરેશભાઈ જેતુભાઈ વાળા, નજુભાઈ રામકુભાઈ વાળા, રાજદીપભાઈ ઉર્ફે લાલો દિલુભાઈ ધાખડા, રામકુભાઈ ચાપરાજભાઈ વાળા, રાજેન્દ્રભાઈ ઉર્ફે કાળુભાઈ દિલુભાઈ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે ગામની સીમમાં તેના કૌટુંબિક ભાઈ રામકુભાઈ ચાપરાજભાઈ વાળાની ખેતીની જમીન વેચાતી રાખી હતી ત્યારે સાડા સાત લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. જેમાંથી પાંચ લાખ પરત આપ્યા હતા અને બાકીના અઢી લાખ રૂપિયા માંગતા આરોપીઓને સારું નહોતું લાગ્યું. જેનો ખાર રાખી તેમને તલવારના ઘા માર્યા હતા તેમજ લોખંડના પાઇપ વડે શરીરે આડેધડ મુંઢમાર મારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.ડી.ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.