અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા માથાભારે ઈસમોને પાસામાં મોકલવાની તૈયારીઓ શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ ૩૦ કરતા વધુ ઈસમોને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે અને હજુ પણ કામગીરી ચાલે છે. અમરેલી જિલ્લામાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા અજીત બચુભાઇ વાળા રે.માણાવાવનું પાસા વોરંટ નીકળતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ.ની ટીમ દ્વારા પાસા હેઠળ ધરપકડ કરી આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે, આ ઇસમ સામે ચલાલા, બગસરા, ગોંડલ સહિત પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના ૫ જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાને કારણે પોલીસે પાસા હેઠળ ધકેલી કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.અલ્પેશ પટેલ સહિત પોલીસ કર્મચારીઓ, જવાનો દ્વારા આરોપીને ઝડપી પાસા હેઠળ ધકેલી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આવા ઈસમો અને માથાભારે તત્વો ઉપર અમરેલી એસપીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સતત વોચ રાખી રહી છે. માથાભારે ઈસમો પાસામાં ધકેલાતા ગ્રામજનો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.