ધારીના બોરડી ગામે એક યુવક પાન માવાની દુકાને ગયો ત્યારે બે ઇસમોએ તેને તું અહીંયા શું લેવા આવ્યો છે કહી ગાળા-ગાળી કરીને હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે મૂળ ધારીના સેમરડી ગામના અને હાલ ગીરગઢડા તાલુકાના જંગવડ નેસડામાં રહેતા ફેઝલભાઈ હાજીભાઈ બ્લોચ (ઉ.વ.૨૦)એ બોરડી ગામના ઈમરાનભાઈ બોદુભાઈ બ્લોચ, દીનમહંમદભાઈ બોદુભાઈ બ્લોચ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ જંગવડ ગામેથી મોટર સાયકલ લઈને સેમરડી ગામે રહેતા તેના કાકાના ઘરે આંટો મારવા જવા નીકળ્યા હતા. બોરડી મુકામે પહાંચતા રોડ ઉપર આવેલી એક પાન માવાની દુકાને પાન માવો ખાવા ગયા હતા. ત્યાં બન્ને આરોપીઓ ઉભા હતા, જેમણે તું અહીયા શું લેવા આવ્યો છે? તેમ કહેતા તેમણે માવો લેવા આવ્યો છું હું તારી સાથે વાત કરતો નથી તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળા-ગાળી કરવા લાગ્યા હતા. ઈમરાનભાઈ બ્લોચે દુકાનની બાજુમાં તેના ઘરેથી લાકડાનો એક બડીયો લઇ આવી જમણા હાથની કલાઇના ભાગે માર્યો હતો અને દીનમહંમદભાઈએ ખંજર જેવું ચપ્પુ લઇ આવી વાંસાના ભાગે ખંભાથી નીચેના ડાબા ભાગે મારી દઇ બે ટાંકાની ઈજા પહોંચાડી હતી.