અમરેેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલા જાણે હવે સામાન્ય બનવા પામ્યા છે. વન્યપ્રાણીઓ હવે પશુઓનો શિકાર કરવાને બદલે માનવી પર હુમલા કરતા હોવાની ઘટનાઓમાં વધારો થયો હોવાથી વાડીએ કામ કરતા ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ છવાયો છે. જેમાં ગતરાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ ધારી તાલુકાના ફતેગઢ ગામે વાડીમાં કામ કરતા ખેતમજૂર પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બનવા પામી છે. ખેતમજૂર પોપટભાઈ ચારોલા પર દીપડાએ હુમલો કરતા માથા અને હથેળીમાં ઈજા પહોંચી છે. આ ઘટનાની જાણ થતા ખેતમજૂરને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.