ધારીના નબાપુરા ગામની સીમમાં આવેલી ખેતીની જમીન પચાવી પાડવા અને પરિવાર સાથે વિશ્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ અંગે કુબડા ગામના મનસુખભાઇ ડાયાભાઇ મકવાણા (ઉ.વ.૫૪)એ રાકેશભાઇ ધીરૂભાઇ હડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, આરોપીએ ફરિયાદીના પરિવારની કબજા ભોગવટાની ખેતીની જમીન જૂની શરતમાંથી નવી શરતમાં ફેરવી, જમીન પોતાના પરિવારના નામે કરાવી આપવાની લોભ-લાલચ આપી હતી. જે બાદ આરોપીએ ફરિયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ તેમની માતા પાસે જમીન બાબતનું નોટરી લખાણ કરાવી લીધું હતું અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ઉપરાંત, આરોપી તેમની કબજા ભોગવટાની જમીનમાં ટ્રેક્ટર લઈ જઈ ખેડ કરતો હોવાથી, ફરિયાદી તથા સાહેદો તેને સમજાવવા ગયા હતા. તે દરમિયાન આરોપીએ તેમને મા-બેનની ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































