સમાજમાં સગાઈ ન થવાના કારણે કે અન્યત્ર થયેલી સગાઈ પસંદ ન હોવાથી ઘણી વખત યુવક કે યુવતી ઝેરી દવા પીતા હોવાની ઘટના બને છે. ધારીના દુધાળા ગામ પાસે સગાઈ મુદ્દે યુવક-યુવતીએ ઝેરી દવા પીધી હતી. આ બનાવ અંગે ભાવનગરના ચીત્ર ફૂલસર ગામે રહેતા પીનલભાઈ નારણભાઈ મકવાણાએ જાહેર કર્યા મુજબ, તેના નાના ભાઈ હિરેન તથા કિરણ બન્ને પોતાની ઇકો કારમાં કોઈને ઘરે જાણ કર્યા વગર જતા રહ્યા હતા. ત્યારબાદ દુધાળા ગામ નજીક બંનેએ ઝેરી દવા પી લીધી હતી. તેમની સગાઈ બાબતે યુવતીની માતા આનાકાની કરતા હતા. જેથી બંન્નેને લાગી આવતાં પોતે પોતાની મેળે કોઈ ઝેરી દવા પી જતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એ.જી.ગોહીલ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.