અમરેલી જિલ્લાના ધારીથી બગસરા જતા રસ્તા ઉપર માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલા ડાંગાવદર ગામે ૧૭ મેના રોજ જોરદાર પવન સાથે વરસાદ પડ્‌યો હતો. પવનની સ્પીડ ખૂબ જ વધારે હોય અને વરસાદ પણ ધોધમાર પડ્‌યો હતો જેના કારણે ડાંગાવદરમાં અનેક વીજપોલ જમીનદોસ્ત થયાં હતાં. આ મીની વાવાઝોડાને કારણે ખેડૂતોના તૈયાર થયેલ પાકો બાજરો, તલમાં પણ ભયંકર નુકસાની જોવા મળી હતી. સાથે સાથે કેરી જેવા બાગાયતી ખેતીના પાકોમાં પણ ભારે નુકસાની થઈ છે. ગામમાં ઘણા ખરા મકાનના નળિયા અને છાપરા પણ ઊડ્‌યા હતા. વરસાદ સાથે પવનનાં લીધે ડાંગાવદર ગામમાં ઘણું નુકસાન થયું છે ત્યારે ત્યાંના ખેડૂતો તંત્રની પાસે તાત્કાલિક સહાય કરાવવાની માંગણી કરી રહ્યા છે. આખું વર્ષ આંબાને પાણી પાય અને એના ફાલની રાહ જોતા હોય ત્યારે આ કુદરત ખરેખર રૂઠી હોય તેવું જણાઈ રહ્યું છે.