ધારી પંથકમાં રાની પશુઓના આંટાફેરા હવે સામાન્ય બની ગયા છે. સિંહ-દીપડા છાશવારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી આવી મારણ કરતા હોવાથી પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે. જેમાં ગત રાત્રીના ધારીના જળજીવડી ગામે દીપડો બે પશુનું મારણ કરી રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. ધારીના જળજીવડી ગામે વન્યપ્રાણીઓ શિકારની શોધમાં રહેણાક વિસ્તારોમાં ઘૂસી આવે છે. ગત રાત્રીના દીપડાએ બે પશુનો શિકાર કરી રહેણાંક મકાનની ૧૪ ફૂટ ઉંચી દિવાલ કૂદી ઘરમાં ઘૂસી જતા તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગની ટીમે ટ્રાન્ક્યુલાઈઝ કરી દીપડાને બેહોશ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડયો હતો. દીપડો ૧૪ ફુટની દિવાલ કૂદી રહેણાંક મકાનમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે.