ધારીના છતડીયા ગામે રહેતા માતા-પુત્ર પર ભાગિયું ન રાખવા મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે લાલજીભાઈ પ્રાગજીભાઈ દોંગા (ઉ.વ.૭૫)એ તેમના જ ગામના સંજયભાઈ મનુભાઈ રવાદરા, વિજયભાઈ મનુભાઈ રવાદરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પુત્ર કાંતીભાઇએ છતડીયા ગામના નરેશભાઇ મકવાણાનું ભાગિયું રાખ્યું હતું. જે આ કામના આરોપીઓને સારું નહોતું લાગ્યું. ત્રણ દિવસ પહેલા બપોરે દોઢેક વાગ્યે તેમના ઘરની બહાર સંજયભાઈ રવાદરાએ તેમને કપાળના ભાગે કુહાડીના હાથાનો એક ઘા મારીને ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો. વિજયભાઈ રવાદરાએ તેમના પત્નીને ધક્કો મારી પછાડી દઇ જેમ ફાવે તેમ ગાળો આપી તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના વુમન હેડ કોન્સ્ટેબલ એ.જે.નાગર વધુ તપાસ કરી રહ્યા છે.