ધારી તાલુકાના છતડીયા ગામે આવેલા પાણીના ટાંકામાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જાણવા મળતી માહિતી મુજબ ધારી તાલુકાના છતડીયા ગામે છેલ્લાં ચાર દિવસથી પાણીમાં દુગર્ધ આવતી હોવાની ગ્રામજનો ફરિયાદ કરતા હતા જેથી આ અંગે વાલ્વમેને પાણીના ટાંકામાં ડોકીયુ કરતા પાણીના ટાંકામાં એક પુરૂષનો
મૃતદેહ તરી રહ્યો હોવાની જાણ થઈ હતી.
જેથી આ બાબતે તાત્કાલિક ધારી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી પાણીના ટાંકામાંથી
મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ધારી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ પુરૂષનું નામ જયસુખ વલ્લભભાઈ થળેસા હોવાનું અને ઘરકંકાસના કારણે આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ લાશ ત્રણથી ચાર દિવસથી પાણીમાં હોવાથી કોહવાઈ ગઈ હતી.