ધારી પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં તસ્કરો ફરી સક્રિય થયા છે. ગઢીયા (ચાવંડ) થી દલીનેશ જવાના રસ્તે આવેલી બે અલગ-અલગ વાડીઓમાંથી ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી થવાની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો કુલ ૧૫૦ લીટર ઓઈલની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પીજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે નોકરી કરતાં અંકિતકુમાર હસમુખભાઇ વાળા (ઉ.વ.૩૯)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ધારી પેટા વિભાગીય કચેરી-૨ હેઠળ આવતા આ વિસ્તારમાં તસ્કરોએ બે ખેડૂતોને નિશાન બનાવ્યા હતા. ગઢીયા ચાવંડથી દલીનેશ રોડ પર આવેલી ઉર્મિલાબેન કાળાભાઇ અકબરીની વાડીમાં રહેલા ટીસીમાંથી તસ્કરોએ આશરે ૬૦ લીટર ઓઈલની ચોરી કરી હતી. જેની અંદાજિત કિંમત રૂ.૫,૭૦૦ થાય છે. જ્યારે આ જ વિસ્તારમાં આગળ આવેલી છગનભાઇ જેરામભાઇ ટાપણીયાની વાડીએ પહોંચી તસ્કરોએ બીજા ટીસીને નિશાન બનાવ્યું હતું. અહીં ટીસીમાં રહેલું તમામ ૯૦ લીટર ઓઈલ તસ્કરો ચોરી ગયા હતા, જેની કિંમત રૂ.૮,૫૫૦ જેવી થાય છે. આમ, બંને વાડીઓમાંથી મળીને કુલ ૧૫૦ લીટર ટ્રાન્સફોર્મર ઓઈલ, જેની કુલ કિંમત રૂ.૧૪,૨૫૦ થાય છે, તેની ચોરી કરીને અજાણ્યા ચોર ઇસમો ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ.વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.