અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામે શંકાના આધારે હિંસક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આડા સંબંધની શંકા રાખીને પતિએ પત્નીને મુંઢમાર મારી, ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિલાસબેન મનસુખભાઈ વાઘેલા (ઉ.વ.૩૫)એ મનસુખભાઈ નાનજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, પતિએ તેમના પર આડા સંબંધની શંકા કરી હતી. આ બાબતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈને તેમને શરીરે મુંઢમાર માર્યો હતો. માર માર્યા બાદ પણ પતિએ શાંત ન થઈ ફરિયાદીને જાહેરમાં ગાળો આપી હતી અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.