ધારી શહેરના બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલ પંપ પાસે ફોર-વ્હીલ સાથે મોટરસાયકલ અથડાતા-અથડાતા રહી જવાની નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો હિંસક બન્યો હતો. આ ઘટનામાં ફોર-વ્હીલના ચાલક અને તેના સાથીઓએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો, જેમાં યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે કુલદીપભાઇ સુરીગભાઇ ખાચર (ઉ.વ.૨૪) એ અજય વણોદીયા, એજાઝ ડબાવાલા તથા અન્ય અજાણ્યા પાંચથી છ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.તેઓ અને ઈજા પામનાર નરેશભાઈ રામભાઈ ચાંદુ તેમના સાહેદ મહેશભાઈ સાથે અમરેલી ખાતે મોટરસાયકલની ડિલિવરી લેવા આવ્યા હતા. ડિલિવરી લીધા બાદ તેઓ બસ સ્ટેન્ડ પાસેના પેટ્રોલ પંપ પર નવું બાઈક લઈને પેટ્રોલ પુરાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન, આરોપીની ફોર-વ્હીલ તેમની મોટરસાયકલ સાથે ભટકાતા-ભટકાતા રહી ગઈ હતી.નરેશભાઈએ આ બાબતે ફોર-વ્હીલના ચાલકને સંભાળીને ગાડી ચલાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો. તેણે નરેશભાઈને ગાળો આપી અને ગાડીમાંથી ધોકો કાઢીને ધોકાનો એક ઘા નરેશભાઈના સાથળના ભાગે માર્યો હતો. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપી ત્યાંથી જતો રહ્યો હતો.હુમલા બાદ ફરિયાદી અને સાહેદો ઘરે જવા નીકળ્યા હતા. તેઓ અમરેલી જિલ્લા પંચાયત રોડ પર સિવિલ હોસ્પિટલ તરફ જતા ખૂણા પાસે પહોંચ્યા ત્યારે આરોપીએ નરેશભાઈને બૂમ પાડીને ઊભા રાખ્યા હતા. ત્યારબાદ આરોપી સહિત તમામ આરોપીઓએ પૂર્વ આયોજન મુજબ ગેરકાયદેસર મંડળી રચીને તેમને અને સાહેદોને ગાળો આપી પથ્થરના છૂટા ઘા કર્યા હતા. જ્યારે નરેશભાઈ અને અન્ય લોકો ભાગવા ગયા, ત્યારે પ્રાણઘાતક હથિયાર લોખંડનો પાઈપ લઈ નરેશભાઈના માથામાં જોરદાર ઘા માર્યો, જેના કારણે નરેશભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને બેસી ગયા. આરોપીએ નરેશભાઈના શરીર પર પાઈપ વડે આડેધડ ઘા મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે ફરિયાદી વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓ પૈકી કોઈએ ફરિયાદીના જમણા પગના સાથળના પાછળના ભાગે પણ પાઈપનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચવા, હુમલો કરવા અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.








































